ચાલો પહેલા તો બધાને "હેપ્પી ફાધર્સ ડે". ખબર છે કે એ તો કાલે હતો પણ મારા માટે આજનો દિવસ હેપ્પી છે કારણ કે આજે જ મેં પપ્પા ને વિશ કર્યું. પહેલા તો જયારે વિચાર્યું કે હું મારા પા વિષે લખું ત્યારે થયું કે "શું હું લખી શકીશ? કારણ કે ક્યાંથી શરુ કરીશ એ જ ખબર ના પડે?" પરંતુ છતાં પણ એક નાનકડો પ્રયત્ન અને પાપા ને કદાચ ફાધર્સ ડે ની એક ગીફ્ટ.
પપ્પા ને મેં હમેશા મારા પપ્પા કરતા એક ફ્રેન્ડ તરીકે જ જોયા છે. જ્યારથી હું સમજણી થઇ ત્યારથી મને યાદ નથી ક્યારેય મેં એવું ફિલ કર્યું હોય કે અરે આવું તો કઈ પપ્પા ને કહેવાય અથવા તો અરે પપ્પા ખીજાશે તો? કારણ કે મેં એમને આજ સુધી કોઈ દિવસ ગુસ્સામાં જોયા જ નથી. જયારે પણ જોયા છે ત્યારે હમેશા મારી જ ઉમર ના મારા બેસ્ટ ફ્રેન્ડ તરીકે જેમની સાથે હું આજે પણ મારી લાઈફની દરેક નાનામાં નાની વાત અને મોટામાં મોટી પ્રોબ્લેમ ડિસ્કસ કરી શકું છું. કોલેજની દરેક નાનામાં નાની વાત પણ મેં હમેશા તેમની સાથે શેર કરી છે. પછી તે ચાલુ લેકચર માં નાસ્તો કર્યા જેવી ફની હોય કે પછી 'વિલ યુ બી માય ફ્રેન્ડ ?' ટાઈપ ની હોય. દરેક વાત હસતા હસતા જ પપ્પા ને કહેવાની.
પપ્પા સાચા અર્થ માં મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. એમને મને જીવન જીવતા અને ખાસ તો મુશ્કેલ સમય સામે લડતા શીખવ્યું છે(My first blog). પપ્પા હમેશા કહે છે મુશ્કેલી માં એમ નહિ કહેવાનું કે "Why Me?" પણ "Try Me." મને એમનો સંગીત નો શોખ વારસામાં મળ્યો છે એમ કહી શકાય. અમે બંને મો.રફી ને પણ સાંભળીએ અને પાછુ માઈકલ જેક્સન પણ અમારો ફેવરીટ. અને આજના લેટેસ્ટ ગીતો તો હમેશા લીસ્ટ માં હોય જ. પપ્પા ને પિયાનો સારું વગાડતા આવડે છે. એમને જોઇને જ મેં પહેલા પિયાનો થોડું શીખ્યું અને હવે ગીટાર. આજે પણ જયારે કોઈ નવું ગીત ગીટાર પર વગાડું ત્યારે પહેલા એમને જ સંભળાવું અને એ તરત જ કહી દે કે 'આ સુર ખોટો વાગે છે અને આ સુર નીચો વગાડ.' એક્ચુલી, મનોરંજન ની દરેક વસ્તુ માં પપ્પા હમેશા મારી સાથે હોય. જેમ્સ બોન્ડ કે એવી ઈંગ્લીશ મુવી જોવામાં તો પપ્પા સાથે જવા માટે હમેશા તૈયાર. તો કોઈ વાર પપ્પા ની ઓફીસ માં જઈને એમને થોડી હેલ્પ પણ કરું.
પપ્પા પાસેથી સૌથી વધારે જે વાત મને શીખવા મળે છે તે છે એમની 'મેનેજમેન્ટ સ્કીલ'. કોઈ પણ કામ ને બને એટલી સહેલાઈથી અને સરળ રીતે ઓછા સમય માં કેવી રીતે કરવું એ બાબત માં તો એમની આવડત નો કોઈ જવાબ નથી. પપ્પા એ ક્યારેય કોઈ વાત અમને શીખવી નથી બસ એમના વર્તન પરથી અને એમને જોઇને જ અમે બધું શીખ્યા છે. અને મારા પર તો મારા પપ્પા નો પ્રભાવ એટલો બધો છે કે મને હમેશા બધા કહે છે કે 'અરે તારા તો લગ્ન થશે ને તો તારા પપ્પા ને તો તારી સાથે મોકલવા જ પડશે'. અને પપ્પા પણ હસતા હસતા કહે 'હા હો, હું તો હમેશા મારી દીકરી ની સાથે જ રહીશ.' છતાં પણ પપ્પા એ મને મારી રીતે જીવન જીવવાની એટલી સ્વતંત્રતા આપી છે કે કદાચ કોઈ એમની 'દીકરી' ને તો ના જ આપે. એમણે ક્યારેય આ 'સો કોલ્ડ' સમાજ ના બંધનો ને અમારા પર થોપ્યા નથી. હમેશા જયારે પણ એવી કોઈ વાત આવે ત્યારે મારા માથા પર હાથ મુકીને કહે 'બેટા, તારે જેમ કરવું હોય તેમ કર. હું તારી સાથે છું.' બસ આ બે વાક્યો જ હમેશા મને હમેશા આગળ વધવાની હિંમત આપે છે. પપ્પા એ મને ફક્ત બધી ખુશીઓ જ નથી આપી પરંતુ સાથે મારા વ્યક્તિત્વ ના વિકાસ માં પણ એમનો મોટો હાથ છે. એમણે મને કઠીન સમય માં પણ પોઝીટીવ અને એક્ટીવ રહેતા શીખવ્યું છે. પપ્પા હમેશા કહે જીવન માં 'આ તો જોઈએ જ' એવું ક્યારેય નહિ રાખવાનું અને કોઈ પણ મુશ્કેલીમાં હમેશા હસતા રહેવાનું. 'લાઈફ' માં હમેશા 'લાઇવ' રહેવાનું.
આજે પણ હું મારો કોઈ પણ નિર્ણય મારા પપ્પા ને પૂછ્યા વગર લેતી નથી. તમને જાણીને કદાચ નવી લાગશે પણ આ ઓરકુટ માં જોઈન થવા માટે પણ મેં મારા પપ્પા ને પૂછેલું!! એક્ચુલી મેં એમને જણાવેલું કેમ કે મને ખબર જ હતી કે એ મને ના ન પડે. આજે પણ મારી દરેક નાની-મોટી વસ્તુઓ લેવા માટે પછી તે મારા ડ્રેસીસ હોય કે નાની એવી બુટ્ટી, હું મારા કરતા મારા પપ્પા ની સલાહ માનું છું. અને પાપા પણ હમેશા એમની માટે મારી પસંદની જ વસ્તુઓ લે છે. કારણ કે અમે એક બીજાને પોતાના કરતા વધુ સારી રીતે સમજીએ છીએ. અને એટલે જ હું કહી શકું કે હું હમેશા મારી લાઈફ માં મારા પપ્પા જેવી બનવા માગું છે. પરંતુએ તો કદાચ શક્ય જ ના બને એટલે હું પ્રયત્ન કરીશ કે ૧૦૦% તો નહિ પરંતુ કદાચ ૧-૨% એમના ગુણો ને મારામાં લાવી શકું.........